Thursday 17 August 2017

ઉપવાસ -કૌશિક બોરાણા

"આજે તમારા માટે એકલી ચા જ બનાવું ને ?"
"કેમ ? આજે શું છે ?"
"અરે ! ભૂલી ગયા ? આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે,તમારે ઉપવાસ નથી કરવાનો ?"
"અરે હા આજે મારા માટે નાસ્તો ના બનાવતી,હું ઉપવાસ કરીશ"
સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતાં અભિલાષે પોતાની પત્નીને તે સાંજે આવીને એકટાણું કરશે એવું કહીને કચેરીએ જવા નિકળી ગયો.
સોમવાર હોવાથી આજે મોટી સંખ્યામાં અરજદારો હતાં,એ એણે કચેરીમાં પ્રવેશતાં જ નોંધ્યું.
પોતાની ચેમ્બરમાં પ્રવેશતાં જ પટ્ટાવાળાએ રિવોલ્વીંગ ચેર વ્યસ્થિત ગોઠવી સાહેબને બેસવા માટે ધરી.
"જો ! આજે મારા માટે ચા કે કોફી કાંઈ ન લાવતો,મારે આજે ઉપવાસ છે."
પટ્ટાવાળાને સૂચના આપી અભિલાષ પેન્ડીંગ પડેલી ફાઈલો ખોલીને કામમાં પરોવાયો.
પોતાના વિસ્તારમાં ચાલતાં એક સરકારી પ્રોજેક્ટની ફાઈલ એ જોઈ રહ્યો,
એને યાદ આવ્યું આજે આ ફાઈલ સબંધે જ તેને તે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર મળવા માટે આવવાના હતા.
અભિલાષ કોન્ટ્રાક્ટર પોતાને મળવા માટે આવવાના છે તેનું પ્રયોજન બહું સારી રીતે જાણતો હતો.,
સરકારી નોકરીમાં વર્ષોથી હોવાના કારણે તેના માટે આ કોઈ નવી વાત ન હતી.
એક બે સામાન્ય અરજદારોને પતાવ્યા ત્યાં તો પટ્ટાવાળાએ ચિઠ્ઠી આપી,પેલા કોન્ટ્રાક્ટર મળવા માટે આવી ગયા હતા.
તેમને અંદર મોકલવાની સૂચના સાથે એમણે એ કહે નહીં ત્યાં સુધી બીજા કોઈને અંદર ન આવવા દેવા માટે પટ્ટાવાળાને તાકીદ કરી.
કોન્ટ્રાક્ટર સાથે કામ સબંધિત વાતો પતાવી અને પોતાના ભાગે આવતી રકમ અંગે ચર્ચા કર્યા બાદ કોન્ટ્રાક્ટરે પોતાની સાથે લાવેલું એક મોટું પેકેટ સાહેબને સોંપ્યું,
અને પોતાના કામ અંગે ભલામણ કરી તે નિકળ્યા.
અભિલાષે પેકેટ બેગમાં મૂકી પટ્ટાવાળાને બોલાવવા માટે બેલ મારી.
પટ્ટાવાળાને ચા સાથે નાસ્તો લાવવાનું કહ્યું ત્યાં તો પટ્ટાવાળાએ યાદ અપાવ્યું
"સાહેબ તમે કહ્યું હતું ને કે તમારે આજે ઉપવાસ છે"
"અરે હા,સારું એમ કર માત્ર પાણી લઈ આવ."
પટ્ટાવાળો ગયો ત્યાં જ અભિલાષને યાદ આવ્યું અરે શ્રાવણ મહિનાનો મારો પહેલો ઉપવાસ તો આજે તૂટી ગયો
ઉપવાસના દિવસે કંઈ ન ખવાય એવી એની માતાએ નાનપણમાં આપેલી શિખામણ યાદ આવી.
પરંતું હમણા જ પેલા કોન્ટ્રાક્ટર પાસેથી લીધેલું પેકેટ યાદ આવતાં જ તેને જાણે કંઈક ખવાઈ ગયું હોવાની અને ઉપવાસ તૂટી
ગયો હોવાની ભાવના તેના મનમાં વ્યાપી રહી,
હવે સાંજે ઘરે જઈને એકટાણું કરવાનો કોઈ અર્થ રહ્યો નહોતો એવું તેને લાગી રહ્યું....